અચાનક શરૂ થયેલી કબજિયાતને હળવાશથી ન લો
45 વર્ષ પછી અચાનક શરૂ થયેલી કબજિયાત, ઝાડાની ટેવમાં ફેરફાર કે ઝાડા સાથે લોહી — આ કોલોન કેન્સરના શરૂઆતના સંકેત હોઈ શકે છે. એક સાચી ઘટના પરથી જાણો વહેલી તપાસ કેમ જીવન બચાવી શકે છે.
By Dr. Pratik Bhagat
થોડા સમય પહેલાં 74 વર્ષના એક બાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા, જેમને છેલ્લા ઘણા મહિનાથી અચાનક શરૂ થયેલી કબજિયાત હતી, જેને તેમણે ઉંમરના કારણે થતી સામાન્ય સમસ્યા માનીને અવગણી દીધી હતી.
ધીમે ધીમે પેટ ફૂલવા લાગ્યું, ઝાડો ઓછો થવા લાગ્યો અને પછી એક સમય એવો આવ્યો કે ઝાડો અને ગેસ બંને બંધ થઈ ગયા. અંતે તેમને ઇમરજન્સીમાં હોસ્પિટલ લાવવા પડ્યા.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કોલોન કેન્સરના કારણે મોટા આંતરડામાં સંપૂર્ણ બ્લોકેજ થઈ ગયું હતું. શરીરમાં ગંભીર ઇન્ફેક્શન ફેલાઈ ગયું હતું અને તેમની સ્થિતિ જીવલેણ બની ગઈ હતી.
તાત્કાલિક ઓપરેશન કરવું પડ્યું. ઓપરેશન પછી પણ ઘણા દિવસ આઈસીયુમાં સારવાર લેવી પડી, વેન્ટિલેટરની જરૂર પડી અને હોસ્પિટલમાં લાંબો સમય રહેવું પડ્યું.
મને આજે પણ લાગે છે કે જો આ બા થોડા મહિના પહેલાં તપાસ કરાવવા આવ્યા હોત તો કદાચ સારવાર વધુ સરળ બની શકતી, ઓપરેશન નાનું થઈ શકતું અને સાજા થવામાં પણ ઓછો સમય લાગ્યો હોત.
આ બાની ભૂલ એક જ હતી — અચાનક શરૂ થયેલી કબજિયાતને સામાન્ય માનીને અવગણવી.
ઘણા લોકો કબજિયાતને સામાન્ય તકલીફ માને છે. ખરેખર મોટા ભાગના કેસમાં તે ગંભીર નથી હોતી. પરંતુ 45 વર્ષ પછી જો અચાનક નવી કબજિયાત શરૂ થાય, ઝાડાની ટેવ બદલાઈ જાય અથવા ઝાડા સાથે લોહી આવવા લાગે તો તેને હળવાશથી લેવું જોઈએ નહીં.
કેટલીક વખત આ લક્ષણો કોલોન કેન્સરના શરૂઆતના સંકેત હોઈ શકે છે.
કોલોન એટલે આપણા મોટા આંતરડાનો ભાગ. આ ભાગમાં થતું કેન્સર વિશ્વના સૌથી સામાન્ય કેન્સરમાંનું એક છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં પણ તેના કેસ વધી રહ્યા છે.
કયા લક્ષણો પર ખાસ ધ્યાન આપવું?
- અચાનક શરૂ થયેલી કબજિયાત
- ઝાડાની ટેવમાં ફેરફાર
- ઝાડા સાથે લોહી આવવું
- પેટમાં સતત દુખાવો
- પેટ ફૂલવું
- કારણ વગર વજન ઘટવું
- ભૂખ ઓછી થવી
- શરીરમાં લોહીની ઉણપ થવી
ઘણા દર્દીઓ ઝાડા સાથે લોહી આવે એટલે તેને પાઇલ્સ માની લે છે. પરંતુ દરેક વખતે તેનું કારણ પાઇલ્સ જ હોય એવું જરૂરી નથી.
કોલોનોસ્કોપી કેમ જરૂરી છે?
કોલોન કેન્સરની ઓળખ માટે કોલોનોસ્કોપી સૌથી મહત્વપૂર્ણ તપાસ છે, જેમાં કેમેરાની મદદથી મોટા આંતરડાની અંદરથી સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે. જો કોઈ ગાંઠ, પોલિપ (માંસનો નાનો ઉપસેલો ભાગ) અથવા શંકાસ્પદ ભાગ જોવા મળે તો ત્યાંથી નમૂનો લઈને તપાસ કરી શકાય છે.
ઘણા લોકો કોલોનોસ્કોપીથી ડરે છે, પરંતુ હકીકતમાં આ તપાસ ઘણી વખત મોટી મુશ્કેલીથી બચાવી શકે છે.
વહેલી ઓળખ કેમ મહત્વની?
જો કોલોન કેન્સર શરૂઆતના તબક્કામાં પકડાય તો તેની સારવાર ઘણી સરળ બની શકે છે. ઘણા દર્દીઓમાં સફળ ઓપરેશન બાદ સંપૂર્ણ સ્વસ્થ જીવન જીવવું શક્ય બને છે.
આજે કોલોન અને રેક્ટલ કેન્સરની સારવારમાં સર્જરી ઉપરાંત કીમોથેરાપી અને રેડિયેશન જેવી આધુનિક સારવાર પદ્ધતિઓ ઉપલબ્ધ છે. દર્દી માટે કઈ સારવાર યોગ્ય છે તે રોગના સ્ટેજ પ્રમાણે નક્કી કરવામાં આવે છે.
પરંતુ જ્યારે રોગ ખૂબ મોડો પકડાય ત્યારે ઇમરજન્સી ઓપરેશન, આઈસીયુમાં સારવાર, વધુ ખર્ચ અને લાંબી રિકવરી જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
અંતમાં...
આપનું શરીર ઘણી વખત સમયસર સંકેત આપે છે. પ્રશ્ન એ છે કે આપણે તેને સાંભળીએ છીએ કે નહીં.
જો તમારી ઉંમર 45 વર્ષથી વધુ હોય અને અચાનક શરૂ થયેલી કબજિયાત, ઝાડાની ટેવમાં ફેરફાર અથવા ઝાડા સાથે લોહી આવવાની તકલીફ હોય, તો માત્ર દવા લઈને સમય પસાર ન કરો. યોગ્ય તપાસ કરાવો.
ક્યારેક એક કોલોનોસ્કોપી ગંભીર બીમારીને શરૂઆતના તબક્કામાં પકડી શકે છે અને જીવન બચાવી શકે છે.
— ડૉ. પ્રતિક ભગત, MBBS, MS, FALS (Hernia), MCh (Surgical Gastroenterology) — HPB & GI Oncology Surgeon